હમણાં છેલ્લા 4-5 દિવસ થી Netflix  ઉપર કવિવર રવીન્દ્રનાથ ટાગોર ની વાર્તા ઓ ની સિરીઅલ જોઉં છું।  ખૂબ સુંદર પ્રયત્ન છે અને એકદમ કાવ્યાત્મક પણ. દરેક વાર્તા એ સમય ના બંગાળ માં લઈ જાય છે અને કહેવાની રીતભાત, નિર્દેશન અને ચિત્રણ ખૂબ જ સુંદર છે. કવિવર ની આંખે એ સમય ના સમાજ, રીતરિવાજો, માનવ સ્વભાવ અને સંબંધો ની ગુંચવણનું  સુંદર આલેખન થયું છે। એમાં કાલે કાબુલીવાલા ની વાત આવી।  સ્કૂલ માં જ્યારે ભણતા ત્યારે વાંચેલી ને પછી હૃદય ના કોઈ ખૂણે છુપાયેલી એ વાર્તા પાછી નજર સમક્ષ આવી।  એ વખતે તો એવી સમજશક્તિ પણ નહોતી। પણ કાલે ફરી એને અનુભવી ને ખુબજ આનંદ થયો। મારા પપ્પા ને પણ બહુ miss કર્યા

કાબુલીવાળા ની વાર્તા પરથી મારી 2006 માં લખેલી એક કવિતા યાદ આવી. આમ તો દીકરી વિદાય પર ખૂબ લખાયું છે આ કવિતા મારો એમાં એક નાનો પ્રયત્ન છે.

વિદાય 

કેવી રીતે આપું તને હું વિદાય

આજે આંસુની આ વણથંભી વણઝાર

આજે આ ઓટલો એટલો ઉદાસ

પૂછે છે કોણ રમશે મારી આસપાસ

પૂછી રહ્યા આ માટી ના થર

હવે કોણ રમશે મારી માટીથી ઘર ઘર

પૂછી રહ્યો છે ઘર નો આ ઉંબરો

કોણ માંડશે મારા પર ઝાંઝર પહેરીને ડગ

સૂનું આ ફળિયું ને સુનો આ ઓરડો

સૂના કબાટમાંથી હીબકાં ભરે ઢીંગલી

આજે આ તારી વસમી વિદાય

અને પછી એકલતા ની શરૂઆત

-પૃથા દેસાઈ

Advertisements