અમેરિકા આવી ને ખુબ ઓછી કવિતા લખી છે. જયારે college માં ભણતી ત્યારે બહુ મન થતું લખવાનું પણ પછી એમ થાય કે સારું લખાતું નથી તો શા માટે લખવું. હજુ પણ એવું જ થાય છે પણ લખવાનું ચાલુ રાખવું છે. લાગણીઓ ને શબ્દો નું સ્વરૂપ આપવું ખુબ અઘરું પણ ખુબ સંતોષ આપે એવું છે. આ કવિતા મેં અમેરિકા માં આવી ને લખેલી કવિતાઓ માંથી એક છે. કવિતા નહિ પણ ગદ્ય-પદ્ય.

અધૂરા સપનાં 

સાંજનો સુરજ અસ્ત થવાની તૈયારીમાં

આ ઢળતી સાંજે ,

કૈક કેટલા સ્મરણો આવીને ઉભા રહ્યા

રસ્તો રોકીને

મારા સમગ્ર આયખાની તપાસ કરતાં

ઉંબરે ઉભીને સુખ -દુઃખ નું ગણિત માંડતા

હું હવે જાઉં છું એવું મેં કહ્યું ,

ત્યાં તો એમણે  યાદ કરાવ્યું

પેલી ઘડિયાળના સેલ ખલાસ થઇ ગયા છે

કે સમય અહીં અટકી ગયો સાવ

અને ટેબલ પર બુકમાર્ક કરેલી ,

‘જિંદગી’ નામની ચોપડી પણ

અધૂરી રહી ગઈ છે

હજુ તો મારે મિત્ર ને મળવા જવાનું બાકી છે

અને પેલા શેરીમાં રમતા ગલૂડિયાંને

રમાડવાનું બાકી છે

કંઈ કેટલાંય શોખ પુરા કરવાં છે

ને કેટલાંય નિયમો તોડવા છે

સાલું આમજ જતું રહેવાનું ??

-પૃથા દેસાઈ

Advertisements