મને વરસાદ અતિ પ્રિય છે.  વર્ષો પહેલા આશિત દેસાઈ અને હેમા દેસાઈ દ્વારા રજુ થયેલ એક સંગીત ના કાર્યક્રમમાં  વરસાદને લગતા ગીત અને ગઝલો સાંભળેલા ત્યારથી અલગ અલગ ભાષામાં વરસાદને લગતાં ગીત શોધું છું.  એમાં હમણાં આ ગીત નજરે ચઢ્યું.  કેલિફોર્નિયા ના હમણાંના વાતાવરણ ને અનુકૂળ.

હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે….

આખું ચોમાસું તેં મોકલ્યું ટપાલમાં ને પરબીડિયું ગયું ગેરવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

છત્રીને થાય, એક નળિયાને થાય, કોઈ નેવાને થાય એવું થાતું
ખુલ્લા થયા ને તોયે કોરા રહ્યાનૂં શૂળ છાતીમાં ઊંડે ભોંકાતું
વાદળાંની વચ્ચોવચ હોવું ને તોય કદી છાંટા ન પામવા જવલ્લે
હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે

ભીંજેલા દિવસોને તડકાની ડાળી પર સૂકવવા મળતા જો હોત તો
કલરવનો ડાકિયો દેખાયો હોત કાશ મારુંયે સરનામું ગોતતો
વાછટના વેપલામાં ઝાઝી નહીં બરકત,
ગુંજે ભરો કે ભરો ગલ્લે

હવે મારું ભીંજાવું ચડ્યું ટલ્લે.

– સંદીપ ભાટિયા

Advertisements