“મારા વિશ્વની ‘વસ્તી ગણતરી’ કરવાજાઉં તો,
ફક્ત ‘પપ્પા’ નામ ના ‘ગ્રહ’ માં
મારું આખું universe આવી જાય!!

નાની હતી  ત્યારે પપ્પા ને ફક્ત પપ્પા જ ગણતી. એ વખતે એ જ મારુ વિશ્વ હતું. પણ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ સમજાતું ગયું મારા પપ્પાનું વૃક્ષ જેવું વિશાળકાય વ્યક્તિત્વ! અજય દેસાઈ નામ આવે એટલે આસ પાસ રહેતી દરેક વ્યક્તિ ના મન માં અલગ અલગ ભાવ આવતો હશે. પ્રેમનો, ગૌરવનો, અહોભાવનો…. પણ મારા માટે પિતા એટલે મારી પોતાની લાયબ્રેરી અને એ પણ એવી કે જે જીવવાની શિખામણ ના આપે પણ જેમને જોઈને જીવવાનું શીખી શકાય. જિંદગી નું એવું એક પણ ક્ષેત્ર નથી જોયું જ્યાં એમને સફળતા ના મળી હોય. અથાગ પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી હોતો એ એમના જીવનને જોઈને સમજાય. ફક્ત Commerce ની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ જયારે અનેક પ્રકૃતિવિદોની સભા માં બોલવા ઉભા થાય અને બાળક થી લઇને વ્રુદ્ધ સુધી અને સાવ અભણ માણસ થી લઇ ને PhD ભણેલી દરેક વ્યક્તિ એકચિત્તે એમને કલાકો સાંભળી શકે એજ એમની સફળતા નો માપદંડ હોઈ શકે.

પોતાના પરિવાર નું જ નહિ પરંતુ આસપાસની દરેક વ્યક્તિનું  ધ્યાન રાખવું, હંમેશા સહુ ને મદદ કરવી અને સહુને માટે હંમેશા પ્રેરણારૂપ થવું એ પપ્પા ને જોઈ ને જ શીખવાનો પ્રયત્ન કરું છું. મારા સપનામાં Einstein થી લઇ ને Issac  Newton, આર્યભટ્ટ થી લઇ ને અબ્દુલ કલામ અને કનૈયાલાલ મુન્શી થી લઇ ને ચંદ્રકાન્ત બક્ષી ના રંગો પૂરનાર વ્યક્તિ એટલે મારા પપ્પા. અને એ બધા નું કોમ્બિનેશન એ પણ મારા પપ્પા!! સંગીત હોય તો કૃષ્ણની વાંસળી બની શકે,અંતરિક્ષની વાત હોય તો કાર્લ સેગન બની શકે, કલા ની વાત હોય તો રાજા રવિ વર્મા નું ચિત્ર બની શકે, અને પ્રકૃતિ ની તો વાત પણ ક્યાં કરવી? એક નહિ પણ અનેક વ્યક્તિઓની પાસેથી મેં આ વાત સાંભળી છે કે તારા પપ્પા એક જિંદગીમાં કેટલું બધું કરે છે. જયારે આ સાંભળતી ત્યારે એનું મહત્વ ના સમજાતું પણ હવે જયારે કામ ની સાથે એક-બે બીજી પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થાય તો એને ‘manage’ કરવાનું પણ અઘરું થઇ જાય છે તો પપ્પા આ બધું કેવી રીતે કરી શકતા હશે એ વિચાર સહેજે આવે.

ન્યૂઝીલેન્ડમાં  Māori નામનું એક tribal legend  છે. એ લોકોના પ્રકૃતિ ના દેવનું નામ ‘Papa’ છે. એનો મતલબ થાય છે personification of earth એટલે કે ધરતીનો/પ્રકૃતિનો બીજો અવતાર. મારા માટે તો પપ્પા નો એ અર્થ સાવ સાચો છે. ચંદ્રકાંત બક્ષી ના શબ્દો માં કહું તો, ‘ પિતા અને પુત્રીનો એક વિચિત્ર સંબંધ છે. પિતાને પુત્રીનું કંઈ જ લેવું નથી અને પુત્રી ને પિતા માટે બધું જ આપી દેવું છે. સૃષ્ટિના  સર્જનહારે આ સંબંધ માં બંને મુઠ્ઠીઓ ભરીને પ્રેમ ઢોળી નાખ્યો છે.’ આજે તમારો જન્મદિવસ અને તમારા ‘સર્પ સંદર્ભ ‘ પુસ્તક ની છઠ્ઠી આવૃત્તિ નું વિમોચન થવા જઈ રહ્યું છે તો આ બેવડી ખુશી ના પ્રસંગે એક દીકરી તરીકે મારી એકજ ઈચ્છા છે કે તમે આવી પ્રગતિ ઉત્તરોત્તર કરતા રહો. અમને, તમારી દીકરીઓ, તમારા દીકરા જેવા જમાઇઓ અને તમારી પૌત્રીઓને, તમારા ઉપર ખુબ જ ગર્વ છે અને તમારી જેટલી ઉંમરે અમે તમારા કરતા જો અડધા ભાગ ની પણ જિંદગી માણી શકીશું, સમજી શકીશું અને પચાવી શકીશું તો અમારી જિંદગી સફળ ગણાશે !!

Love You Papa!!

પાંચ વર્ષ પેહલા નો વિમોચન નો ફોટો શ્રી નરેન્દ્ર મોદી સાથે !!

આજનો છઠ્ઠી આવૃત્તિના વિમોચનનો ફોટો !!

Advertisements